હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ 'મરીઝ',
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાન માં.
દુઃખ આપવાની રીતમાં એ રંગ કો મરીઝ,
એ ખુદ કહે કે મારા હ્ર્દયને દુઃખાવી જા.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે 'મરીઝ',
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી.
ત્યાંથી ફક્ત પસાર થવાનું રહી ગયુ,
એ ઘર ગયુ,એ રાહ ગયો,એ ગલી ગઈ.
આશા નો એમાં વાંક નથી માનજો 'મરીઝ',
એ કલ્પના હતી જે નિરાશા બની ગઈ.
ચીતરૂ છું એનુ નામ હથેળી ઉપર 'મરીઝ',
વિશ્વાસ મુજને મારા મુકદ્દર ઉપર નથી.
હું ક્યાં કહુ છું આપની 'હા' હોવી જોઇએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીત થી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
હું માનુ કે ન માનુ એની એ પરવા નથી કરતો,
સમય જ્યારે પડે છે લાજ રાખે છે ખુદા મારી.
મહોબ્બતમાં અને તહેવારમાં એકજ તફાવત છે,
તમારું દર્દ હું પુછુ-તમે પૂછો દવા મારી.
અમારી આંખના બે આંસુઓ, એનુ ગજુ શુ છે,
મળે સામેથી બે બિંદુ તો એ વરસાદ થઈ જાયે.
'મરીઝ' એની નિખાલસતા બહુ પાછળથી સમજાઈ,
જે બરબાદીને ના સમજે અને બરબાદ થઈ જાએ.
મોત વેળાની આ ઐયાશી નથી ગમતી 'મરીઝ',
હું પથારી પર રહું ને આખુ ઘર જાગ્યા કરે.
નિષ્ફળ પ્રણયનો એજ દિલાસો રહી ગયો,
ચાહુ છું તુ સુખી નથી,એવી ખબર મળે.
આજે આ કેમ સ્વર્ગમાં ગમતું નથી મને !
આવ્યા હશે કદાચ એ મારી કબર સુધી.
દિલ એવુ રાખ જેમાં મહોબ્બતનો ગમ રહે,
ગમ એવો રાખ જે ન રહે તો ન દમ રહે.
મારા સિવાય કોણ છે જે મારો અંત હો,
તારા વિન છે કોણ જે તુજથી પ્રથમ રહે.
પ્રથમથી જ ખબર હોત તો હું જીવી નહી શકતે,
કે આખી જીંદગી વીતી જવાની છે ભરોસા પર.
'મરીઝ' એવા શરાબી ની દશા સુધરી શકે ક્યાંથી?
શિખામણ આપનારા પણ હસે છે જેની તૌબા પર.
એકપળ એના વિના તો ચાલતુ નહોતુ 'મરીઝ',
કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ.
લ્યો ઉન્નતિની આરઝૂ પૂરી થઈ 'મરીઝ',
ઊડી રહી છે ખાક અમારી હવાની સાથ.
ડૂબી છે જઈને નાવ અમારી ક્ષિતિજ પર,
દુનિયાનો છે ખ્યાલ કે પાર ઉતરી ગઈ.
અસર આવી નથી જોઇ મે વર્ષોની ઈબાદત માં,
ફક્ત બે જામ માં તૂર્ત જ જીવન બદલાય છે સાકી.