ગરીબોના જીવનમાં ઝેર એવું રેડ જે યા રબ,
મરણનો ઘૂંટ પી લે એનું જીવન ચૂસનારાઓ.
કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે.
લાવી છે આ અસર હવે સંગત શરાબની,
ચાખો મને કટુ છું,પીઓ તો મધુર છું.
ઘણા એવા છે જે પાણી ની માફક,
બીજાનો ભોગ લઈ ઉપર ચઢે છે.
'મરીઝ' અમને ન સમજાયુ હજી પણ,
કે આ ઉંમર વધે છે કે ઘટે છે.
અમને તો મહોબ્બત છે પછી તારી જે મરજી,
ટપલી કે તમાચો હો અમે ગાલ ધર્યો લે.
મારુ મયખાનુ ભલુ જ્યારે ચહુ નીકળી શકુ,
શેખજી કાબામાં તો ચારેતરફ દીવાલ છે.
જાણ એમાં એનો કોઇ હાથ કે હિસ્સો નથી,
એ મને પુછે છે કે આ કેવો તારો હાલ છે.
આ સુખડ નો લેપ,આ કોરૂ કફન,આ શાંતિ,
આવ હવે જોવા કે મૃત્યુએ સજાવ્યો છે મને.
મારી ચડતી પડતી એની આંગળીનો સ્પર્શ છે,
એણે નીજ માળાના મણકામાં પુરાવ્યો છે મને.
એક વેળા નહી બચાવે તો મરી જઈશું 'મરીઝ',
કંઇક વેળા મારા અલ્લાહે બચાવ્યો છે મને.
શાયર છું મારી રીત થી બોલીશ હું ગઝલ,
બુલબુલ તો હું નથી કે ફકત કંઠ દાદ લે.
ભૂખે મરી રહ્યો છે તો રસ્તો કહું 'મરીઝ',
મંદિરમાં જઈને બેસ પ્રભુનો પ્રસાદ લે.
પરદો ન રહ્યો કોઇ હવે છાના રૂદનનો,
સૌ જોઇ રહ્યા આંખ બહુ સુજી ગઈ છે.
અલ્લાહ મને આપ ફકીરીની એ હાલત,
કે કોઇ ન સમજે આ સુખી છે કે દુઃખી છે.
તે દ્વાર પર ના હળવા ટકોરા તો રદ ગયા,
શાયદ એ સાંભળી લે જો માથુ પછાડીએ.
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.