તું ગઇ, ને, એટલે વરસાદ પણ ગયો,
જૉ પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.
ચોતરફ એકાંતનો એવો છે દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.
કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.
એકલા આ મૌનમાં જીવીને શું કરૂં ?
તું નથી, ને, એટલે સંવાદ પણ ગયો.
હું તને શોઘ્યા કરૂં, ને, તું મળી નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.
----------- આશા પુરોહીત