Search the Collection

Thursday, November 13, 2008

"બેસ્ટ ઓફ મરીઝ -------૧"

એવા કોઈ દિલેર ની સંગત દે ઓ ખુદા,
સંજોગ ને જે મારૂ મુકદ્દર થવા ન દે.

નથી કોઈ દુઃખ મારા આંસુ નું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી 'મરીઝ',
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.

થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યુ,
કે મારા આવા પરાજય માં તારી જીત નથી.

કોઈ એક દિન માં સુખી થાતુ હશે કોને ખબર,
પણ, એ જોયુ કંઇક એક દિન માં દુઃખી થઈ જાય છે.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલ ના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલ માં.

ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીર ને,
લાજ રાખી લઉ છું તારી દોષ દઈ તકદીર ને.

ઓ શિખામણ આપનારા ! તારો આભારી છું હું,
મારા આ રડમસ જીવન માં તું હસાવી જાય છે.

ઝાહિદ! સુરા ખરાબ હતી કઈ દલીલ પર?
તારા થી પહેલા સ્વર્ગ માં એને જગા મળી.

હજાર વાત કરે આંખ, હોઠ કંઇ ન કહે,
આ એક પ્રકારની નિષ્ઠુરતા છે, લાજ નથી.

ભલે હો કાલ ના ખોળામાં સુખ નાં લાખ વરસ,
પરંતુ હોય તે સુખ ક્યાં હશે જે આજ નથી !.

સનમ હવે આ જમાનામાં કોઈ ભય કેવો?
હવે તો લોકોના ટોળા જ છે, સમાજ નથી.

ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને,
ગગન ન રહેવા દીધુ આફતાબ આપીને.

છે એક મશ્કરી એની કુરાન હો કે ગીતા,
સમય ન વાંચવાનો દે કિતાબ આપીને.

મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે,
તરસ વધારી દીધી છે શરાબ આપીને.

હજાર દર્દ છે એવાં જે ચૂપ રહી ને સહ્યા,
ગઝલની હદ માં નથી, કોણ એ ગઝલમાં લખે?

બીજાની વાત કરી પારકાનુ નામ લઈ,
હું મારી વેદના સંભળાવુ છુ ખબર છે તને?

પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઇ શકે,
જીવનમાં એક એવું પતન હોવુ જોઇએ.

લાગણી,દર્દ,મોહબ્બત ને અધુરી આશા,
એક જગા પર જો જમા થાય હ્રદય થઈ જાયે.

આંખ થી આંખ મળી ગઈ છે સભર મહેફીલમાં,
સ્મિત જો એમાં ભળી જાય,પ્રણય થઈ જાય.

દિલ મારું, પ્રેમ મારો અને એમની શરત!
મે ખુદ કહી છે કેટલી 'ના' કોણ માનશે?

હસીનો ને મેં જોયા છે સદા એવી ઉદાસી થી,
રસિક જે રીત થી જોયા કરે મોંઘી કિતાબોને.