Search the Collection

Thursday, September 3, 2009

બોલે છે

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે
મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે,
શરમ ભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે
વસંતો કાન દઈને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે
ગરજતાં વાદળોનાં ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વિજળીનું મૌન બોલે છે
ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દિવાનગીનું મૌન બોલે છે
સમય પણ સાંભળે છે બે ધડી રોકાઈને ‘આદિલ’
જગતનાં મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

--------------------------આદિલ મન્સૂરી