Search the Collection

Saturday, October 24, 2009

લાગે છે

મઝધારને માઠું લાગ્યું છે ને શાંત સમંદર લાગે છે;
નૌકાને ડુબાવી દેવાનો આ સુંદર અવસર લાગે છે.

શંકાનું નિવારણ થઈ જાયે જો ચાંદ પધારે ધરતી પર,
બાકી તો હંમેશાં છેટેથી રળિયામણા ડુંગર લાગે છે.

દિવસે આ પ્રભાકર ચમકે છે ને રાતે શશી ને તારાઓ,
પણ વિરહી હૃદયને દુનિયામાં અંધકાર નિરંતર લાગે છે.

આશાઓ કુંવારી રહી જાશે, ઓ મોત ! જરા તું થોભી જા,
નયનોમાં ખુમારી બાકી છે, દુનિયા હજી સુંદર લાગે છે.

ખરતો હું નિહાળું છું જ્યારે આકાશથી કોઈ તારાને,
ભૂતકાળનાં સ્વપ્નો જાગે છે એક ચોટ જિગર પર લાગે છે.

દુ:ખદર્દ જીવનનાં ભૂલી જવા હું ‘નાઝ’ મદિરા પીતો નથી,
છલકાવું છું પ્યાલા નયનોના જો ભાર હૃદય પર લાગે છે.

-------------------‘નાઝ’ માંગરોલી