Search the Collection

Saturday, October 24, 2009

ખુદ સમંદર

ખુદ સમંદર ઉડીને નદીને મળે,
કાર્ય એવું ઉપાડી લીધું વાદળે.

ફૂલને એણે કરમાવાં દીધાં નહીં,
સૂર્યનો તાપ શોષી લીધો ઝાકળે.

સિંધુ બનવાની એની તરસ જોઈને,
રણને છલકાવી દેવું પડયું મૃગજળે.

ચાંદ તો છે પ્રથમથી જ ચહેરા ઉપર,
તારલા પણ હશે આંખના કાજળે.

ક્યાંક રસ્તે ભટકવા ન નીકળી પડે,
એટલે ઘરને બાંધી દીધાં સાંકળે.

જે હ્રદયના હિમાલયથી ઉતરી પડી,
એ ગઝલગંગા ઝીલી લીધી કાગળે.

દાટી દીધાં કબરમાં જે બેફામને
એ કયામત થતાં જીવતાં નીકળે.

--------------બરકત વીરાણી ‘બેફામ’