હરિ તમારી કટ્ટી !
કડવી કડવી જિંદગી આપી વાત કરો ગળચટ્ટી !
લોકલ ટ્રેનમાં ઊભા રહીને એક દિવસ તો આવો,
હું ય જોઉં છું, કેમ કરીને બંસી તમે બજાવો !
યાદ આવશે પળભરમાં તો ગયા જનમનાં ઘાવો,
કાશી હો કે કુરૂક્ષેત્રે હો, બધ્ધે પીડે અભાવો,
દરેક યુગને માપવાની આ જુદી જુદી ફૂટપટ્ટી,
હરિ તમારી કટ્ટી !
કદીક ધરતીકંપ કરાવો કદીક લાવો પૂર,
અજગર જેવો દુકાળ દઈને કેમ ભીંસો ભરપૂર ?
છાતીમાં છે ધબકારા પણ ધબકારામાં ઝૂર,
નીર ખૂટ્યા છે ધરતીના ને નભના ખૂટ્યા નૂર,
અડતાવેંત જ લોહી નીકળે એવી થઈ છે મટ્ટી,
હરિ તમારી કટ્ટી !
-------------------------હિતેન આનંદપરા