ટોચ માટે પ્રયાસ લાગે છે.
ખીણમાં પણ ઉજાસ લાગે છે
આભ આખું ઉદાસ લાગે છે.
દોસ્ત આજે અમાસ લાગે છે.
પર્ણ તાળી પવનને આપે છે.
ઝાડ પર જાણે રાસ લાગે છે.
પ્હાડ ઝરણાંને ખોઈ બેઠો છે,
એને ખળખળનો ભાસ લાગે છે.
પાનખરમાં વસંત જેવું કેમ?
કયાંક તું આસપાસ લાગે છે.
સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?
ફાંસ ફૂલોની અમને વાગી છે.
શ્વાસ એથી સુવાસ લાગે છે.
--------------------ગૌરાંગ ઠાકર