Search the Collection

Monday, April 19, 2010

સાજણ રહે છે સાવ કોરા

આયખામાં આવી છે આષાઢી સાંજ અને ઝરમરિયાં વરસે છે ફોરાં.
સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા !

સાજણ કરતા તો સારું બાવળનું ઝાડ, જેને છાંટો અડતા જ પાન ફૂંટે;
સાજણ સંતાય મૂઓ છત્રીમાં, આખ્ખું આકાશ અરે મારા પર તૂટે;
પલળી પલળી ને હું તો ગળચટ્ટી થાવ પછી સાજણ લાગે છે સાવ ખોરા.
સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા.

ચૈતર વૈશાખ તો સમજ્યા પણ આષાઢી અવસરને કેમ કરું પાર?
સાજણ છે મારો સૈ વેકુરનો વીરડો ને મારી તરસ ધોધમાર;
વરસાદી વાયરાઓ ચાખી ચાખી ને હવે ચાખું છું છેલ્લા કટોરાં.
તોય મારા સાજણ રહે છે સાવ કોરા.

---------------------------વિમલ અગ્રાવત