ગામને પાદર ઝૂલતી પૂનમરાત ને મારા ફળિયે બેઠું ઘોર ઘટાદાર ઘોર અંધારું.
ઉંબરા નામે પ્હાડ ને ભીંસોભીંસ ભીંસાવે એકલતા ચોપાસ ને માથે આભ નોધારું.
ખાબડખુબડ પડછાયાના ગોખલે બળે દીવડી નાની,રેબઝેબા થૈ હુંય મુંજાણી;
મોભનાં આખા વાંસ હડૂડે,ધડધડાધડ નળિયાં ઉડે,વરસે સાજણ તરસ્યું પાણી;
ભણકારાંથી ઝબકી જાગી જાય પારેવાં,હાંફતાં ઘૂં ઘૂં,ફફડે પાંપણ,કેમ હું વારું?
ગામને પાદર…
તળિયાંઝાટક આંખ ને સોણાં દૂર દેશાવર દૂર દરોગા,દૂર દેશાવર દૂર ઠેબાણાં;
ભમ્મરિયે પાતાળ ધરોબી તોય લીલુછમ્મ ઝાડ બની ગૈ નકટી તારી યાદ,ઓ રાણા !
રેશમી રજાઇ ઢોલિયે ઢાળી,મોરલાં દોરી,આજ આંખેથી ટપકે ટપાક કાંઇ ચોધારું.
ગામને પાદર…
--------------------------------------વિમલ અગ્રાવત