Search the Collection

Monday, July 21, 2008

તે રમ્ય રાત્રે

તે રમ્ય રાત્રે
ને રાત્રિથીયે રમણીય ગાત્રે
ઊભી હતી તું ઢળતી લતા સમી
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.

ક્યાં સ્પર્શવી?
ક્યાં ચૂમવી? નિર્ણય ના થઈ શક્યો.
ને આવડી ઉત્તમ કામ્ય કાયા
આલિંગવાને સરજાઈ, માની
શક્યું ન હૈયું જડ થીજી એ ગયું
એ હૈમ સૌંદર્ય તણા પ્રવાહમાં.

ને પાય પાછા ફરવા વળ્યા જ્યાં
ત્યાં સોડિયેથી કર બહાર નીસરી
મનોજ કેરા શરશો, સુતન્વી
કાયાકમાને ચડી, વીંધવાને
ધસંત ભાળ્યો: ‘નથી રે જવાનું!’

હલી શક્યો કે ન ચાલી શક્યો હું,
નજીક કે દૂર જઈ શક્યો ન હું,
એ મુક્તા-સાગરમાં વિમૂઢતા
તણા અટૂલા ખડકે છિતાયલા
કો નાવભાંગ્યા જનને ઉગારવા
આવંત હોડી સમ તું સરી રહી।

ક્યાં સ્પર્શવો? ક્યાં ગ્રહવો? તને તે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે

તે રમ્ય રાત્રે
રમણીય ગાત્રે!

-----સુન્દરમ્