શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા
હાથમાં પકડ્યો તમારો હાથ તો લાગ્યું સજનવા
મન પ્રથમ વાર જ ઊઘાડી પોપચાં જાગ્યું સજનવા
હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા
પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા
કોરા અંતરપટના કંઈ ઓછા નથી કામણ સજનવા
આપણે નાહક ઉપર શાં કરવાં ચિતરામણ સજનવા
સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા
સાવ અલગ રીતે મુહબ્બતને છતી કરીએ સજનવા
આપને મળવાની સઘળી તક જતી કરીએ સજનવા
હાથમાં દરિયાઓ રાખીને દઈશ દસ્તક સજનવા
ના મળે ઉત્તર તો ચાલ્યો જઈશ નતમસ્તક સજનવા
ખાલી કૂવાના અને કોરી પરબનાં છે સજનવા
આ બધાં સપનાં રાબેતા મુજબના છે સજનવા
ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા
---- મુકુલ ચોકસી