Search the Collection

Monday, July 21, 2008

વરસાદ

લીલાછમ પાંદડાએ મલકતાં મલકતાં
માંડેલી અચરજની વાટ
ધરતીને સીમમાં જોઈ એકલીને એને
બાઝી પડ્યો રે વરસાદ.

પહેલી ટપાલ જેમ આવેલા વાયરાએ
ઘાસના કાનમાં દીધી કંઈ ફૂંક
ધરતી સાંભળતાં સાંભળે એ પહેલાં
કોયલનાં કંઠમાં નીકળી ગઈ કૂક
આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી
ધરતી આવી ગઈ યાદ.

ડુંગરાઓ ચુપચાપ સ્નાન કરે જોઇને
નદીઓ પણ દોડી ગઈ દરિયાની પાસે
એવામાં આભ જરા નીચે ઝુક્યું ને
પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાસે
ધરતીને તરણાં ઓ ફુટશે ના વાવડથી
આભલામાં જાગ્યો ઉન્માદ.

-----મુકેશ જોષી