ઘન આષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ,
દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે,
મચવે ધૂન મલ્હાર કંઠ ત્રિભંગે મોરલા,
સળકે અન્તરમાંહ્ય સાજણ ! લખલખ સોણલાં.
ખીલી ફૂલ બિછાત, હરિયાળી હેલે ચડી,
વાદળની વણજાર પલ પલ પલટે છાંયડી.
ઘમકે ઘૂધરમાળ સમદરની રણઝણ થતી,
એમાં તારી યાદ અંતર ભરી ભરી ગાજતી.
નહિ જોવાં દિનરાત : નહિ આઘું ઓરુ કશું;
શું ભીતર કે બહરા, સાજણ ! તું હિ તું હિ એક તું.
નેણ રડે ચોધાર તોય વિજોગે કેમ રે ?
આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે ?
-------------મનસુખલાલ ઝવેરી