ફૂલ કેવા પરગજુ થઈ જાય છે,મહેકની સાથે રજૂ થઈ જાય છે.
તું જ મારી બંદગી, ને તું ખુદા,જોઉં છું જયારે વજૂ થઈ જાય છે.
ભીંત પર પડછાયો લાગે છે સરસ,માનવીનું એ ગજું થઈ જાય છે?
જિંદગી તેં કેટલા જખ્મો દીધા!,લાગણી તો પણ હજુ થઈ જાય છે.
એક નકશો પ્રેમનો છે દોસ્તો!,યાદ કોર્યું કાળજું થઈ જાય છે.
પહાડ પર પાણીને જોઈ થાય છે,પથ્થરો કેવા ઋજુ થઈ જાય છે!
-------------------ડો. દીના શાહ