ચોક, ગલીઓની નહીં; આખ્ખા નગરની
વાત કર, માણસમાં ઊછરતી કબરની.
સૂર્યના હોવા વિશે સંશય નથી પણ
છે સમસ્યા સાવ અણસમજુ નજરની
પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ
શોધ, ભાષ તું પ્રથમ શબ્દો વગરની
મારી આંખો પર પડ્યો પરદો થઈ હું
ને પકડ છૂટી ગઈ દૃશ્યો ઉપરની
‘ર’ની હાલત મેશ જેવી છે છતાં યે
વાત ના માને કોઈ સળગેલ ઘરની
------------રમેશ પારેખ