Search the Collection

Wednesday, August 20, 2008

શિયાળુ સાંજ

શિયાળુ સાંજ ની વેળ છે થોડીઃ
હાલ્યને વાલમ! આંચને આધાર ખેલીએ આપણ
નીંદર આવશે મોડી.
ચીતરી મેલી ચોસર,મ્હોરાં સોહ્ય છે રૂડે રંગ,
ધોળિયો પાસો ઢાળિયે,જો'યે કોણ રે જીતે જંગ,
આબરૂ જેવી આણજે થાપણ,
ગઠરી મે'ય ગાંઠ ને છોડી,
હાલ્યને વાલમ! ખેલીએ આપણ,
નીંદરું આવશે મોડી.
નેણથી તો નેણ રીઝતા ને કાન, વેણની એને ટેવ,
વાત કીજે એલા કેમરે ભેટ્યાં ભીલડીને મા'દેવ.
કોણ ભોળુ,કોણ ભોળવાયૂં,
જે કાળજા રહ્યાં વ્હાલથી જોડી !
હાલ્યને વાલમ! ખેલીએ આપણ,
નીંદરું આવશે મોડી.
આપણી કને હોય તે બધુ હોડ માં મૂકી દઈ
હાર કે જીત વધાવી એ આપણ એકબીજાનાં થઈ,
અડધી રાતનું ઘેન ઘેરાતાં
ઓઢશું ભેળા એક પિછોડી;
હાલ્યને વાલમ! ખેલીએ આપણ,
નીંદરું આવશે મોડી.

-----------------------------------રાજેન્દ્ર શાહ