અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે
દોસ્ત, ઢળતી સાંજનો અવસાદ પણ શું ચીજ છે.
તે સેંકડો બાંધેલ સાંકળ જેમ ખેંચે છે મને
જે તમે ના દઇ શક્યા એ સાદ પણ શું ચીજ છે.
તોડી નાખે છે રગેરગને ચીરી નાખે ત્વચા
લોહીમાં એક નામનો ઉન્માદ પણ શું ચીજ છે.
એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે.
ખોતરે છે જન્મ ને જન્માંતરોની વેદના
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે.
‘મૃત્યુ’ જેવા માત્ર ટુંકા એક શબ્દે તેં કર્યો -
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.
એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ
કોઇએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે
--------------------મનોજ ખંડેરિયા