શું કામ આંખમાં આવ્યું વિચારવું પડશે
બધાથી ગુપ્ત આ આંસુ નિતારવું પડશે
મીંચાય આંખ, આ મનને મીંચાય કેમ, રમેશ
સમૂળગું જ હવે મનને મારવું પડશે
સ્વપ્નમાં જેમણે આખ્ખો બગીચો આપ્યો’તો
દીધું છે તેમણે આ રણ, સ્વીકારવું પડશે
રમેશ, આપણા શરણે જ અંતે આવ્યું છે
જહાજ આપણી શ્રધ્ધાનું તારવું પડશે
આગની છે આ રજૂઆત સાવ મૌલિક પણ
બળે છે તેમાં મારું ઘર એ ઠારવું પડશે
રમેશ, ભાગ જલ્દી ભાગ, કોરા કાગળમાં
કલમનું ઝેર ચડયું છે, ઉતારવું પડશે
--------- રમેશ પારેખ