જૂના રે વડલા ને જૂનાં ગોંદરા,
જૂની સરોવરની પાળ;
જૂનાં રે મંદિરે જૂની ઝાલરો
બાજે સાંજસવાર;
એથીયે જૂની મારી પ્રીતડી.
ઘેરાં રે નમેલાં ઘરનાં ખોરડાં,
ઘેરાં મોભ ઢળન્ત;
ઘેરી રે ડુંગરાળી મારી ભોમકા,
ઘેરા દૂરના દિગન્ત;
એથીયે ઘેરી મારી વેદના.
ઘેલી રે ઘૂમે ગોરી ગાવડી,
ઘેલાં પંખી પવન;
ઘેલી રે ગોવાળણ ગોપની,
સુણી બંસી સુમંદ,
એથીયે ઘેલી મારી ઝંખના.
મનની માનેલી ખેલે મસ્તીઓ
આંગણ બાળક-વૃન્દ;
ફૂલડાં ખીલે ને ખીલે તોરમાં
માથે મસ્ત પતંગ,
એથીયે મસ્તાની મારી કલ્પના.
સૂના રે ઊભા આજે ઓરડા,
સૂના મોભ ઢળન્ત;
સૂની રે સન્ધ્યાને ઓળે ઓસરી,
સૂની ખાટ ઝૂલન્ત,
એથીયે સૂની રે ઝૂરે જિંદગી.
------------–પ્રબોધ ભટ્ટ