[1]
પલળવાનાં
સ્વપ્નમાં, કોરી રહી
ગઈ જિંદગી.
[2]
ખેંચી પણછ
ઈચ્છાનાં ફળને મેં
વીંધી જ નાખ્યું.
[3]
લૂંછી લો આંસુ
હવા જો લાગશે તો
સૂકાઈ જશે.
[4]
મમ એકાંત
કોરી ભીંત, આવો ને
થૈ ફ્રેમ તમે !
[5]
ખોબો ભરીને
પીવા મળ્યું, દરિયો
મળ્યો, ડૂબવા.
[6]
ફફડાટને
ઉરમાં સમાવું, ત્યાં
તોફાન આવે.
[7]
સંબંધોનાં કૈં
અરણ્યો જોયાં, ક્યાંય
ન દેખી છાયા.
[8]
પીગળી જવું
સમયના અંધારે
સવાર થાશે.
[9]
અમે એકાંત –
- સાગરે, ટાપુ થઈ
જીવીએ છીએ.
[10]
પ્રસ્તાવના શું
લખે આંસુની, ઉર
કોરુંકટ્ટ ત્યાં !
[11]
ભીનાં ભીનાં થૈ
સંબંધની છાલકે
ભીંજાયા અમે.
[12]
સાચવી લૈ મેં
સંબંધની ભીનાશ
બાગ ખીલવ્યો.
[13]
પામવા મથું
સ્મરણના અરીસે
તસ્વીર તારી
[14]
ચગાવવાં છે
સ્મરણોનાં પતંગ
સમીર નથી
[15]
વેદના નહીં
વરસાદ થૈ આવો
ઝૂરીએ અમે.
[16]
રૂપ ચૈત્રનું
લઈ પ્રખર, ગમ
મને સતાવે.
[17]
મને ઝરણું
બનાવી, તમે ભૂલ્યાં
વહેવું શાને ?
[18]
ટોળે વળેલાં
મારગ પૂછે જાવું
ક્યાં તમારે હો !
[19]
શબ્દ પરાયાં
પંખી બન્યા, હું મૌન
પીંજરે કેદ
[20]
શીશ નમાવી
કલમ ડાળ ઝૂકી,
ને મ્હોર્યા શબ્દો.
---------------–માધુરી મ. દેશપાંડે