Search the Collection

Sunday, October 19, 2008

પાંપણોથી પ્રણામ

કલાનો વિરોધ પણ કલામાં આમ થાય છે;
ત્વચા નીચે કુહાડીઓથી ચિત્રકામ થાય છે !

તમારી દોસ્તીનો અર્થ શું હશે – ખબર નથી,
તમારો અર્થ દોસ્ત, માત્ર હાડચામ થાય છે.

પૂછ્યું મેં – વૃક્ષ મોટું બીજમાંથી થાય કઈ રીતે ?
મને ચૂમી ભરીને એ કહે કે, આમ થાય છે !

અનુભવે છે અન્યના હિસ્સાની અગ્નિઝાળ પણ,
હૃદય એ અંતમાં બળીને તીર્થધામ થાય છે.

હૃદયની ગુહ્ય પીડ અંતમાં વહે ગઝલ રૂપે,
શું અશ્રુ આંખમાં કદી ઠરીને ઠામ થાય છે ?

હૃદયનો સાથ હોય તો રિવાજ અન્ય છોડ તું,
‘રમેશ’ પાંપણોથી પણ અહીં પ્રણામ થાય છે.

-----------------–રમેશ પારેખ