Search the Collection

Tuesday, October 21, 2008

લખવાનું તને

એક સ્મરણ બસ સળવળ્યું છે એ જ લખવાનું તને,
આંખમાં કૈં અવતર્યું છે એ જ લખવાનું તને.

એક આખી રાત જાગી છેવટે મધુમાસમાં
પુષ્પનું પડ કોતર્યું છે એ જ લખવાનું તને

આજ મોસમની મજાનો સ્વાદ લઈને ટેરવે,
અંગ જમણું ફરફર્યું છે એ જ લખવાનું તને.

દોસ્ત, સહિયારી ક્ષણોને રાતભર બાળી અને
રોજ કાજળ કાલવ્યું છે એ જ લખવાનું તને.

એક અટકેલી સ્થિતિનું ‘હું’થી ઘેરાયું કવચ
ઓગળી અળગું કર્યું છે એ જ લખવાનું તને.

ક્યાંક ગુલમ્હોરી ક્ષણોના પગરવોને સાંભળી
કાનમાં પીછું ફર્યું છે એ જ લખવાનું તને.

--------------સુરેન ઠાકર ‘મેહુલ’