Search the Collection

Saturday, October 18, 2008

બારેમાસ

તમારા સાવ અંગત છે ને મારા ખાસ જેવા છે,
પણ એ સૌ દૂરથી સારા, નિકટથી ત્રાસ જેવા છે !

કોઈ આવીને છલકાવે, છલકવું હોય એ સૌને,
ઘણા લોકો અહીં ખાલી પડેલા ગ્લાસ જેવા છે !

હું જાણું છું, સંબંધો આપણા તોડે નહીં તૂટે,
સળગવા બેસે તો એ સાવ સૂકા ઘાસ જેવા છે !

નથી ખુદ મારાં અશ્રુ મારા પોતાના રુદનમાંથી,
નદીમાં પૂર આવ્યાં છે તે ઉપરવાસ જેવાં છે !

હવે ફૂલોની ખુશબૂને ટટોલો તો ખબર પડશે,
વસંતો છે, પરંતુ વાયરા વનવાસ જેવા છે !

ઘણા પાસે નથી હોતા છતાં લાગે છે કે પાસે છે,
ઘણા તો રૂબરૂ હોવા છતાં આભાસ જેવા છે !

બધાને તો વરસમાં એક બે હોળી દિવાળી છે,
ખલીલ, એવા પ્રસંગો ઐં તો બારે માસ જેવા છે !

-----------– ખલીલ ધનતેજવી