ઉઘાડા બારણે થડકો થઈને કઈ રીતે આવી ?
તને કહું છું જૂનો લહેકો થઈને કઈ રીતે આવી ?
તું તો અજવાળું માફકસરનું પીરસતી રહી કાયમ,
દીવાની વાટ તું ભડકો થઈને કઈ રીતે આવી ?
ભુલાયેલી ઘણીયે સાંજને પૂછું છું રસ્તા પર,
નર્યા વરસાદમાં તડકો થઈને કઈ રીતે આવી ?
તને દરરોજ જોઉં છું સતત મારા ઉપર હસતાં,
ઉદાસી આજ ઉમળકો થઈને કઈ રીતે આવી ?
પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી ?
-----------અંકિત ત્રિવેદી