Search the Collection

Sunday, October 19, 2008

જ્યારથી

જ્યારથી આ સૂર્ય સાથે ચંદ્રનું સગપણ થયું,
ત્યારથી આ સુદ અને વદનું શરૂ પ્રકરણ થયું.

ઝાંઝરી પહેરીને નીકળી રાત્રિ જ્યાં આકાશમાં,
ત્યારથી આ પૃથ્વી પર લ્યો આટલું રણઝણ થયું.

પાસમાં નીકળ્યું ઊગી જ્યાં વૃક્ષ બાવળ નામનું,
ત્યારથી વડપીંપળાના વૃક્ષનું વડપણ થયું.

ને વળી ફુલમાં સુગંધીનું થયું પ્રાગટ્ય જ્યાં,
ત્યારથી ભમરા ને માખીનું શરૂ બણબણ થયું.

વસ્ત્ર મેં એની વળગણી પર સુકાવા નાંખ્યું જ્યાં,
ત્યારથી ત્યાં એકબીજાનું શરૂ વળગણ થયું.

ને અમારા બેઉની આંખો મળી ગઈ પ્રેમથી,
ત્યારથી તો શહેર આખામાં શરૂ ગણગણ થયું.

બોલ એનો જે મીઠો ધરતી ઉપર સરકી પડ્યો,
શેરડીમાં, મધપૂડામાં તે બધું ગળપણ થયું.

પુત્રવધુએ પગ મૂક્યા જ્યાં સૌ પ્રથમ આ ડેલીમાં,
ત્યારથી આ બે જુવાનોનું શરૂ ઘડપણ થયું.

--------------હસમુખ મઢીવાળા