માણસોના મનને માપો, સાવ સરખુ છે બધુ,
કે પછી દરિયો ઉલેચો, સાવ સરખુ છે બધુ,
સાત કોઠા પ્રણયના વીંધીને નીકળો આરપાર,
વાંસવનની આગ રોકો, સાવ સરખુ છે બધુ,
પ્રેમના અક્ષર અઢી સમજી શકો જો રીતથી,
વેદ-ઋચા,શાસ્ત્ર વાંચો, સાવ સરખુ છે બધુ,
મ્હેલ ઈચ્છાનો ચણી એને ઉછેરો જતનથી,
કે પવનને બંધ બાંધો, સાવ સરખુ છે બધુ,
કોક પથ્થર દિલ મહીં શ્રધ્ધાનું વાવેતર કરો,
કે પછી મંદિર ચણાવો, સાવ સરખુ છે બધુ
------------પ્રતિક મહેતા