Search the Collection

Sunday, October 19, 2008

મોચીનું ન હોવું

યાદછે ? આપણે
એક દિ’સાથે
ગબ્બર ડુંગર ચઢવા ગ્યાંતા ?

ચઢતાં ચઢતાં મારગ વચ્ચે
તારી તૂટી ચંપલપટ્ટી

મેં કહ્યું ‘કે તો ઊંચકી લઉં !’
‘ચમ્પલ ?’
‘તને !’
‘હટ ! લો ચમ્પલ ! ઊંચકો એને !
હાશ હવે બસ
અડવા પગે ઉપર જાશું’

મેંય પછી તને યાદ છે ?
મારાં ચંપલ કાઢ્યાં
પથરો લીધો
પટ્ટી તોડી !
તૂટલાં ચંપલ બેઉનાં પછી
હાથમાં લઈને
ઝૂલતા ઝૂલતાં
અડવા પગે, બળતાં પગે
થનગન થનગન
થનગન ચઢ્યાં આપણે બેઉ
ગબ્બર શિખર !
યાદ આવેછે ?

કેવાં રે બડભાગી આપણે
મારગ કોઈ મોચી ન મળ્યો !

------------–બકુલત્રિપાઠી