Search the Collection

Thursday, July 31, 2008

ધારો કે એક સાંજ

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?

માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

----------– જગદીશ જોષી

રહેવા દે

બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે
પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે
વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરનાં નવાં મંદિર નવાં આવાસ રહેવા દે
મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું,
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે
જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે
તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે
પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે

-----------હિતેન આનંદપરા

Tuesday, July 29, 2008

सर झुकाओगे तो

सर झुकाओगे तो पत्थर् देवता हो जायेगा
इतना मत चाहो उसे वो बे-वफ़ा हो जायेगा
हम भी दरिया हैं हमें अपना हुनर मालूम है
जिस तरफ़ भी चल पड़ेंगे रास्ता हो जायेगा
कितनी सच्चाई से मुझसे ज़िन्दगी ने कह् दिया
तू नहीं मेरा तो कोई दूसरा हो जायेगा
मै ख़ुदा का नाम ले कर पी रहा हूँ दोस्तों
ज़हर भी इस मे अगर होगा दवा हो जायेगा
रूठ जाना तो मोहब्बत की अलामत है मगर
क्या ख़बर थी मुझ से वो इतना ख़फ़ा हो जायेगा

----------बशीर बद्र

Monday, July 28, 2008

એમ પૂછીને થાય નહીં પ્રેમ

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ


----------------તુષાર શુક્લ

મારું ચોમાસું ક્યાંક આસપાસ

આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !
કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી
વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !
કોરપની વેદના તો કેમેય સહેવાય નહીં, રુંવે રુંવેથી મને વાગે
પહેલા વરસાદ તણુ મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે
નસનસ આ ફાટીને વહેવા ચાહે છે આ તો કેવો અષાઢી ઉલ્લાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !
આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

--------- તુષાર શુક્લ

રાત ગઝલની

ભૂલી નથી હું રેશમી એ રાત ગઝલની,
માંડી હતી વરસાદમાં તેં વાત ગઝલની.
તેં હાથ મારો હાથમાં લીધો હતો અને,
લાગ્યું મને કે થઈ ગઈ મુલાકાત ગઝલની.
ચહેરેથી હટાવી હતી તેં ઝુલ્ફ રેશમી,
આમ જ થતી હશે ને શરૂઆત ગઝલની.
કંપી ઉઠેલા હોઠ હથેલી ઉપર મૂક્યા,
આથી સરસ હોય શું રજૂઆત ગઝલની.
દીવો થઈને ઝળહળ્યાં તારી ગઝલનાં શેર,
આંખોમાં રોશનીએ રચી ભાત ગઝલની।

-----------તુષાર શુક્લ

Saturday, July 26, 2008

શ્રધ્ધાંજલિ મંગલ મંદિર ખોલો

મંગલ મંદિર ખોલો,દયામય !

મંગલ મંદિર ખોલો !

જીવનવન અતિ વેગે વટાવ્યું,

દ્વાર ઊભો શિશુ ભોળો;

તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,

શિશુને ઊરમાં લ્યો, લ્યો; ... દયામય !

નામ મધુર તમ રટ્યો નિરંતર,

શિશુ સહ પ્રેમે બોલો;

દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,

પ્રેમ અમીરસ ઢોળો ... દયામય !


- ----------------------નરસિંહરાવ દિવેટિયા

શ્રધ્ધાંજલિ ગંગા સતી

મેરુ તો ડગે જેનાં મન ના ડગેમરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં;સોઈ હરિજનનાં પ્રમાણજી।
ચિત્તની વૃતિ જેની સદાય નિરમળ,ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાસી,રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ।
હરખ ને શોકની આવે નહી હેડકી,આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં નેતોડે માયા કેરા ફંદજી – મેરુ।
તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં,તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે તો,અલખ પધારે એને દ્વારજી – મેરુ।
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ।
સંગત કરો તો તમે એવાની કરજો,જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગા સતી એમ બોલિયાં,જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ।

------- ગંગા સતી

શ્રધ્ધાંજલિ રાખનાં રમકડાં

આજે મારા મિત્ર તપન પંડ્યા ના અવસાન ના દુઃખદ સમાચાર મળ્યા, ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે॥ રાખનાં રમકડાં॥
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત ગમતું માંગે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે॥ રાખનાં રમકડાં॥
એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે॥રાખનાં રમકડાં॥
તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ॥ રાખનાં રમકડાં॥

-----------અવિનાશ વ્યાસ

Thursday, July 24, 2008

હીતેન આનંદપરા

માનવી ની જેમ એ હસતુ નથી,રડતુ નથી
સ્થિતપ્રજ્ઞ છે મુનિની જેમ, એ ચળતુ નથી
સ્ક્રિન પર દેખાય છે એ ડિસ્ક પર ચોક્ક્સ હશે
મન અને ચહેરા અલગ હો એમ અહી બનતુ નથી
હાર્ડડિસ્ક થી ફ્લોપી માં કોપી થયા છે બે જણા
સ્પેસ ઓછો છે છતાં એકાંત અણગમતુ નથી
એક અંગત ફાઈલ નામે "પ્રેમ" ખોવાઈ ગઈ
કેટલુ શોધ્યુ પગેરું ક્યાંય પણ જડતુ નથી
કેટલા સંબંધ ડી-કોડિંગ કર્યા છે તે છતાં
બાદ કરતા સ્વાર્થ ને બીજુ કઈ મળતુ નથી
જે દિવસ થી છોકરી આવી છે ઑપરેટર બની
એકટસ જોયા કરે છે કામ કંઈ કરતુ નથી
ટેરવા કીબોર્ડ પર વીખરાઈ ને રડતા રહ્યાં
જીંદગી માં ફીડ કરવા જેવુ કંઈ બનતુ નથી.

---------હીતેન આનંદપરા

સત્તર વરસની છોકરી નું ગીત

કે’તો મેરાઈ મૂવો ઓછું છે કાપડું,
ને ટૂંકી પડેછે તને કસ
તારે સત્તરમું ભારે છે બસ.

ડાહ્યલીનો જંતરિયો ભૂવો તો કે’છે કે,
છુટ્ટા તે વાળ તારા રાખ નઈ
મંતરેલું લીંબુ હું આલુ તને
તું એમને એમ આંબલીઓ ચાખ નઈ.

જંતરિયો ભૂવાનો દોરો બાંધી ને તારે
કરવાના જાપ રોજ દસ.
તારે સત્તરમું ભારે છે બસ.

ઉંમરને સોંસરવી વીંધીને કોઈ મારા,
કમખે ગાગર જેમ બેઠું.
હેમખેમ સત્તરમું પુરું કરવાને હું,
કેટલા વરસ દુઃખ વેઠુ?

ગામના જુવાનિયા કહેછે કે તારી તે
વાતમાં પડે છે બહુ રસ.
તારે સત્તરમું ભારે છે બસ.

---------જતીન બારોટ

આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા

શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા

હાથમાં પકડ્યો તમારો હાથ તો લાગ્યું સજનવા
મન પ્રથમ વાર જ ઊઘાડી પોપચાં જાગ્યું સજનવા

હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા
પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા

કોરા અંતરપટના કંઈ ઓછા નથી કામણ સજનવા
આપણે નાહક ઉપર શાં કરવાં ચિતરામણ સજનવા

સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા

સાવ અલગ રીતે મુહબ્બતને છતી કરીએ સજનવા
આપને મળવાની સઘળી તક જતી કરીએ સજનવા

હાથમાં દરિયાઓ રાખીને દઈશ દસ્તક સજનવા
ના મળે ઉત્તર તો ચાલ્યો જઈશ નતમસ્તક સજનવા

ખાલી કૂવાના અને કોરી પરબનાં છે સજનવા
આ બધાં સપનાં રાબેતા મુજબના છે સજનવા

ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા

---- મુકુલ ચોકસી

Tuesday, July 22, 2008

મંઝિલ બની ને આવ ન રાહબર બની ને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બની ને આવ
કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં
કાંઈ નહી તો છેવટે ઠોકર બની ને આવ
-----બેફામ

પાંખ નુ કૌવત કે હું ધીમો કદી પડતો નથી
ઉડ્ડયન કરતો રહુ છું પાછળ કદી હટતો નથી
મારા જીવન માં ખામી શોધનારા સાંભળો
બહુ ઉંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી.
----નાદાન

એને ખુંચે છે મારૂ અજવાળુ
જે મળે છે મને સ્વજન થઈ ને
જોઇને મારા હાથ માં દીવો
લોક તુટી પડ્યા પવન થૈ ને.
-----ખલીલ ધનતેજવી

ચઢી આવે યદી ભૂખ્યો કોઇ હાંકી કહાડે છે

નથી કાંઈ પેટ જેવુ અન્નકૂટ એને જમાડે છે

કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે

અહી માણસને મારી લોક ઈશ્વરને જિવાડે છે

------અમૃત ઘાયલ


નિહાળી નેત્ર કોઇના તારુ ન્યાલ થઇ જાવુ

અને અમને બનાવી તારૂ માલામાલ થઇ જાવુ

દિવસ વિતી ગયા એ ક્યાંથી પાછા લાવુ મન મારા

બહુ મુશ્કિલ છે 'ઘાયલ' માંથી અમૃતલાલ થઈ જાવુ.

------અમૃત ઘાયલ

આજ મારી આંખ માં વેરાન આખો બાગ છે

શું બતાવુ આપને કે ઉર મહી શી આગ છે

જોઈ કાળો તલ ગુલાબી ગાલ પર હરખાવ ના

દિલ બળી તણખો ઉડ્યો એનો પડેલો દાગ છે.

-------જયંત શેઠ

Monday, July 21, 2008

प्रिय लिखकर

प्रिय लिखकर, मै नीचे लीख दू नाम तुम्हारा कुछ जगह बीच में छोड दूँ.
नीचे लीख दूं-
“सदा तुम्हारा ”!
लिखा बीच में क्या
यह तुमको पढना है
कागज़ पर मन की भाषा का
अर्थ समजना है जो भी अर्थ निकालोगी तुम
वह मुजको स्वीकार है झुके नयन,मौन अधर या कोरा कागज़
अर्थ सभी का प्यार है !
---------विट्ठलभाई पटेल

તે રમ્ય રાત્રે

તે રમ્ય રાત્રે
ને રાત્રિથીયે રમણીય ગાત્રે
ઊભી હતી તું ઢળતી લતા સમી
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.

ક્યાં સ્પર્શવી?
ક્યાં ચૂમવી? નિર્ણય ના થઈ શક્યો.
ને આવડી ઉત્તમ કામ્ય કાયા
આલિંગવાને સરજાઈ, માની
શક્યું ન હૈયું જડ થીજી એ ગયું
એ હૈમ સૌંદર્ય તણા પ્રવાહમાં.

ને પાય પાછા ફરવા વળ્યા જ્યાં
ત્યાં સોડિયેથી કર બહાર નીસરી
મનોજ કેરા શરશો, સુતન્વી
કાયાકમાને ચડી, વીંધવાને
ધસંત ભાળ્યો: ‘નથી રે જવાનું!’

હલી શક્યો કે ન ચાલી શક્યો હું,
નજીક કે દૂર જઈ શક્યો ન હું,
એ મુક્તા-સાગરમાં વિમૂઢતા
તણા અટૂલા ખડકે છિતાયલા
કો નાવભાંગ્યા જનને ઉગારવા
આવંત હોડી સમ તું સરી રહી।

ક્યાં સ્પર્શવો? ક્યાં ગ્રહવો? તને તે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે

તે રમ્ય રાત્રે
રમણીય ગાત્રે!

-----સુન્દરમ્

વરસાદ

લીલાછમ પાંદડાએ મલકતાં મલકતાં
માંડેલી અચરજની વાટ
ધરતીને સીમમાં જોઈ એકલીને એને
બાઝી પડ્યો રે વરસાદ.

પહેલી ટપાલ જેમ આવેલા વાયરાએ
ઘાસના કાનમાં દીધી કંઈ ફૂંક
ધરતી સાંભળતાં સાંભળે એ પહેલાં
કોયલનાં કંઠમાં નીકળી ગઈ કૂક
આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી
ધરતી આવી ગઈ યાદ.

ડુંગરાઓ ચુપચાપ સ્નાન કરે જોઇને
નદીઓ પણ દોડી ગઈ દરિયાની પાસે
એવામાં આભ જરા નીચે ઝુક્યું ને
પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાસે
ધરતીને તરણાં ઓ ફુટશે ના વાવડથી
આભલામાં જાગ્યો ઉન્માદ.

-----મુકેશ જોષી

વરસાદ ભીંજવે

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે,હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે,દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે

------રમેશ પારેખ

વરસાદી વાછંટ

ચાલ હવે તો આનાકાની મૂક,બનીને મૂક આ વરસાદી વાછંટને ક્યાં સુધી જોતી રહેવાની?
હું સદા રહેવાનો તારી સાથ, કરી વિશ્વાસ, તું પકડે હાથ જો મારા હથેળીએ કૂંપળ કૂટવાની
વાત અચાનક શરૂ થાય ક્યાં, વાત અચાનક વધી જાય ક્યાં એની ક્યાં ખબર પડે છે ?
ઓળખ અમથી હોય શરૂમાં, પછી તો આગળ હળતાં મળતાં સંબંધને એક નામ મળે છે
તું હોઠે હાથ મૂકે, બંધ આંખ કરે, એક નામ સ્મરેએ નામ છે કોનું-ની અટકળ બસ ઉકેલવાની
આ કોરાં શમણાં, સુક્કા શ્વાસો, ફિક્કી આંખો જીવી જવાનાં એક જો ભીનું ગીત મળે તો
સુખની હરેક પળને હું કુરબાન કરી દઉં, તારા મુખ પર એક મજાનું સ્મિત મળે તો
આવ કે આ ખુલ્લા આકાશે, રહીને પાસે, એકી શ્વાસે જીવી જઈએ આશ છોડી કોઈ બીજાની
ચાલ હવે તો આનાકાની મૂક, બનીને મૂક આ વરસાદી વાછંટક્યાં સુધી જોતી રહેવાની

—–હિતેન આનંદપરા

હૈયામાં ચોમાસું

છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,
છોકરાના હૈયે લીલોતરી
કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી

છોકરાએ મનમાં સગાઈ કરી
છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું
ખિસ્સામાં માય નહીં, છાતીમાં
મૂકે તો છોકરાને દર્દ થાય સામટું
છોકરાના હાથોમાં જાણે કે છોકરીએ
વરસાદી રેખાઓ કોતરી….છોકરીના

છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી
શ્રી ગણેશાય લખી નાખ્યું
મેઘધનુષ નામના મુહૂર્તમાં છોકરાએ
ફેરા ફરવાનુંય રાખ્યું
ગંગાને શોધતાં છોકરાને હાથ જાણે
લાગી ગઈ આખી ગંગોતરી…છોકરીના

- મુકેશ જોષી