Search the Collection

Wednesday, November 18, 2009

દિશા સાચી હતી

દિશા સાચી હતી તેથી કિનારો મેળવી લીધો,
નહીંતર માર્ગ દરિયાનો, કદી ક્યાં હોય છે સીધો !

હશે એને બધાં ફૂલો ઉપર વિશ્વાસ અઢળક કે,
ન પૂછી જાત કોઈ ફૂલની, ને માત્ર રસ પીધો !

હકીકત એ જ છે કે કૌરવો સામે મળે છે રોજ,
છતાં હસ્તો ચહેરો રાખવાનો દંભ મેં કીધો !

નથી ફરિયાદ હું અંધારની એને કદી કરતો,
કે જેણે રાત દીધી છે, દિવસ એણે જ તો દીધો !

બિલાડી રોજ આડી આવશે એ વાત છે નક્કી,
તમે રસ્તો ન બદલો બસ, ઈરાદો રાખજો સીધો.

--------------------------સુનીલ શાહ

વાત પૂછશો ના હવે

સઁવેદનાની વાત પૂછશો ના હવે
પથ્થર બની ગઇ જાત પૂછશો ના હવે

આવા અધૂરા છે પ્રયાસો પણ હવે
ન્યારી ગઝલની વાત પૂછશો ના હવે

બેશક સતાવ્યો છે મને વ્યથિત છુઁ
કેવી દીધી સોગાત પૂછશો ના હવે

આપે સુવાળા ઘા તમારા ખઁજનો
કેવા ખમુઁ આઘાત પૂછશો ના હવે

ડરતો નથી હુઁ મોત થી પણ શુઁ કરુ
લાગે ભયાનક રાત પૂછશો ના હવે

--------------નરેન્દ્ર જગતાપ

Friday, November 6, 2009

મારા જખમ ને દર્દમાં

મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે,
કે ચાંદમાં છે દાગ ને સુરજમાં આગ છે.

કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું,
એ સત્ય હો તો જાઓ, તમારો એ ત્યાગ છે.

મહેકી રહી છે એમ મુહોબ્બત કલંક થઇ,
જીવનના વસ્ત્ર પર કોઇ અત્તરનો દાગ છે.

બેફામ તારી પ્યાસને નથી કોઇ જાણતુ,
ને સૌ કહે છે પ્રેમના પાણી અતાગ છે.

--------------બરકત વીરાણી 'બેફામ'

ધીર ને ગંભીર થાતાં જાય છે

ધીર ને ગંભીર થાતાં જાય છે
એ નદીના નીર થાતાં જાય છે !

જિંદગીને જીવવાની હોંશમાં
દ્રૌપદીના ચીર થાતાં જાય છે !

સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !

લાગણી ને પ્રેમના સંબંધ પણ
સાંકડી જંજીર થાતાં જાય છે !

શબ્દને હું ચાહતો રહું તે છતાં
શબ્દ પોતે તીર થાતાં જાય છે !

------------ દિનેશ કાનાણી