Search the Collection

Monday, October 27, 2008

થાય છે

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો 'આદિલ' ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

----------------'આદિલ' મન્સૂરી

રાખે છે

દશા મારી અનોખો લય અનોખો તાલ રાખે છે,
કે મુજને મુફલીસીમાં પણ માલામાલ રાખે છે.

નથી એ રાખતા કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે,
નથી એ રાખતા તો કોણ મારો ખ્યાલ રાખે છે?

મથે છે આંબવા કિન્તુ મરણ આંબી નથી શકતુ,
મને લાગે છે મારો જીવ ઝદપિ ચાલ રાખે છે.

જમાનો કોણ જાણે વેર વાળે છે ક્યા ભવનુ?
મલે છે બે દિલો ત્યા મધ્યમા દીવાલ રાખે છે.

જીવન નુ પુછતા હો તો જીવન છે ઝેર "ઘાયલ"નું,
છતા હિમ્મત જુઓ કે નામ અમૃતલાલ રાખે છે.

---------------અમૃતઘાયલ

ગઝલ અને હઝલ

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો. કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

---------- ‘રૂસવા’



પોતે જ હું ગમાર હતો, કોણ માનશે?
એનો તો બહુ વિચાર હતો, કોણ માનશે?

ચુંબનનું ચિહ્ન ગાલ પર સમજે છે જેને સૌ,
ચંપલનો એ પ્રહાર હતો, કોણ માનશે?

લિપસ્ટિક ને લાલીઓ મહીં વપરાઈ જે ગયો,
મારો પૂરો પગાર હતો, કોણ માનશે?

જેના ઉપર હું ભૂલથી બેસી ગયો હતો,
સળિયો એ ધારદાર હતો કોણ માનશે?

----------રઈશ મનીઆર

Tuesday, October 21, 2008

ટહુકો

ઉઘાડા બારણે થડકો થઈને કઈ રીતે આવી ?
તને કહું છું જૂનો લહેકો થઈને કઈ રીતે આવી ?

તું તો અજવાળું માફકસરનું પીરસતી રહી કાયમ,
દીવાની વાટ તું ભડકો થઈને કઈ રીતે આવી ?

ભુલાયેલી ઘણીયે સાંજને પૂછું છું રસ્તા પર,
નર્યા વરસાદમાં તડકો થઈને કઈ રીતે આવી ?

તને દરરોજ જોઉં છું સતત મારા ઉપર હસતાં,
ઉદાસી આજ ઉમળકો થઈને કઈ રીતે આવી ?

પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી ?

-----------અંકિત ત્રિવેદી

ગઝલમાં ઢાળું છુ

પ્હોંચવું ગયું છૂટી પંથને ઉજાળું છું,
દેહની આ દીવીમાં આમ જાત બાળું છું.

વ્યર્થ બધું ભુલાતું એ જ બળ બની જાતું,
ચોતરફ ભટકતું મન ભીતરે જ્યાં વાળું છું.

કોઈ વહે છે ખળખળ વીંટળાઈને હરપળ,
લોક એમ માને છે પાંપણો પલાળું છું.

શ્વાસ જે હતો ભીતર શબ્દ થઈ ગયો બાહર,
એક નરી ઝંઝાને લો ગઝલમાં ઢાળું છું.

જીત ના થતી મ્હારી છાપ નીકળતી ત્હારી,
શ્વાસ કોઈ સિક્કાની જેમ જ્યાં ઉછાળું છું.

----------રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

લખવાનું તને

એક સ્મરણ બસ સળવળ્યું છે એ જ લખવાનું તને,
આંખમાં કૈં અવતર્યું છે એ જ લખવાનું તને.

એક આખી રાત જાગી છેવટે મધુમાસમાં
પુષ્પનું પડ કોતર્યું છે એ જ લખવાનું તને

આજ મોસમની મજાનો સ્વાદ લઈને ટેરવે,
અંગ જમણું ફરફર્યું છે એ જ લખવાનું તને.

દોસ્ત, સહિયારી ક્ષણોને રાતભર બાળી અને
રોજ કાજળ કાલવ્યું છે એ જ લખવાનું તને.

એક અટકેલી સ્થિતિનું ‘હું’થી ઘેરાયું કવચ
ઓગળી અળગું કર્યું છે એ જ લખવાનું તને.

ક્યાંક ગુલમ્હોરી ક્ષણોના પગરવોને સાંભળી
કાનમાં પીછું ફર્યું છે એ જ લખવાનું તને.

--------------સુરેન ઠાકર ‘મેહુલ’

Sunday, October 19, 2008

આંખો

મારૂં મંદિર, મારી મસ્જિદ તારી આંખો,
તારા નામે ઈશ્વર આપે મને શબ્દની પાંખો.

નથી તારા સિવાય કશું મારી પાસે,
ને તું માંગે મારી પાસે પોતાને આખે-આખો !

તારી રાહમાં જીવું છું, તારા નામ પર મરી જઈશ,
પછી મારી યાદમાં, લો આ શબ્દો રાખો !

નફરતનાં મહોરાં પાછળથી પ્રેમ છલકાશે તારો,
ને સનમ લો તમેય, આ અમૃતપિયાલો ચાખો.

તું આવે ક્યા રસ્તેથી, એની એક તો ખબર મળે,
‘લજ્જા’ પાથરીને બેઠી છે વરસોથી આ આંખો.

------------------– લજ્જા

એક હતો રેઈનકોટ

એકહતો રેઈનકોટ
ને આપણે બે!
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મૂકી
વરસી પડ્યો મેહ

તું જ ઓઢને !
‘તારે જ ઓઢવો પડશે’ એવો
હુકમ કીધો આ જહાંપનાહે ને
બદતમીઝીની હદ આવી ગઈ
‘હું નહીં તમે જ ઓઢો’ એવી
હઠ લીધી તે નૂરજહાંએ.

હું નહીં હું નહીં કરતાં આપણે
કેટલું નાહ્યાં ! કેટલું નાહ્યાં !
યાદ છે તને ?

સારું થયું ને ? કે…
બે હતાં આપણે
ને રેઈનકોટ એક !

-------------બકુલ ત્રિપાઠી

મોચીનું ન હોવું

યાદછે ? આપણે
એક દિ’સાથે
ગબ્બર ડુંગર ચઢવા ગ્યાંતા ?

ચઢતાં ચઢતાં મારગ વચ્ચે
તારી તૂટી ચંપલપટ્ટી

મેં કહ્યું ‘કે તો ઊંચકી લઉં !’
‘ચમ્પલ ?’
‘તને !’
‘હટ ! લો ચમ્પલ ! ઊંચકો એને !
હાશ હવે બસ
અડવા પગે ઉપર જાશું’

મેંય પછી તને યાદ છે ?
મારાં ચંપલ કાઢ્યાં
પથરો લીધો
પટ્ટી તોડી !
તૂટલાં ચંપલ બેઉનાં પછી
હાથમાં લઈને
ઝૂલતા ઝૂલતાં
અડવા પગે, બળતાં પગે
થનગન થનગન
થનગન ચઢ્યાં આપણે બેઉ
ગબ્બર શિખર !
યાદ આવેછે ?

કેવાં રે બડભાગી આપણે
મારગ કોઈ મોચી ન મળ્યો !

------------–બકુલત્રિપાઠી

પ્રેમ પર ધંધાની અસર

[1] સુથાર

છોલવું કારણ વિના એ એમની લત હોય છે
પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે
છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે
એમની પાસે નજરની એક કરવત હોય છે

[2] લુહાર

ઘણની સાથે કોની જોડી હોય છે ?
લાગણી ટીપી ને તોડી હોય છે
બેવફા તારા હૃદયની એરણે –
રોજ બદલાતી હથોડી હોય છે !

[3] ટપાલી

તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું
તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હું
કોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?
પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !


[4] ટાલ ધરાવનાર

હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ
‘લ્યો લપસજો’ કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ
તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો
બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !

[5] સેલ્સમેન

સાવ રીઝનેબલ અમારા રેટ છે
પ્રેમપત્રોનું અસલ પેકેટ છે
હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ –
વાપરો તો દિલ મફતમાં ભેટ છે.

[6] પાયલોટ

રન-વે પ્રણયનો વ્યસ્ત છે, પ્લેનો હજાર છે
તારી નજરનો જોકે જુદેરો પ્રકાર છે
જગ્યા તો તરત થઈ જશે, તું લેન્ડ કરી જો
સિગ્નલ સતત ઝીલે છે, હૃદયનું રડાર છે.

[7] દરજી

ગાજ-ટાંકામાં નવું શું ? રોજ એ કરતો રહું ?
પ્રેમનો ગ્રાહક મળે તો રોજ છેતરતો રહું
આમ તો કાતર જૂની છે, તોય રઘવાયી રહે
પારકા તાકા મળે તો રોજ વેતરતો રહું !

[8] પોલીસ

હથકડી હૈયાની નહીં તૂટી શકે !
મુજ વિના કોઈ નહીં લૂંટી શકે !
તું ભલે ઝડપાઈ મારા પ્રેમમાં –
પણ વગર હપ્તે નહીં છૂટી શકે !

[9] ઈંગ્લીશ બોલતો ગુજરાતી

ફિલ્ડ છે લવનું ડીયર, તું ફલર્ટ કર ને ફ્લાય કર
તન થયું ટાયર્ડ, તો તું મનને મેગ્નીફાય કર
પ્રેમમાં ઈનફેક્ટ, યુ સી, ન્હોય પરમેનન્ટ કૈં
તુંય થા બીઝી ગમે ત્યાં, ને ગમે ત્યાં ટ્રાય કર !

[10] દૂરદર્શનનો ઉદ્દઘોષક

પ્રેમનું આ છે પ્રસારણ દિલની ચેનલ વન ઉપર
હે પ્રિયે ચેનલ બદલ ના વાત લેજે મન ઉપર
ખેંચ ના સિરિયલ હવે સંબંધની દર્શને
એક એપિસોડ તો કર પાસના દર્શન ઉપર

[11] ક્રિકેટર

છે પ્રિયે લિમિટેડ ઓવર્સ, ને પ્રણયની ખેંચ છે
ડેડ-પીચ પર ચાલતી આ એક વન-ડે મેચ છે
થર્ડ અમ્પાયરને વચમાં નાંખ ના, આ પ્રેમ છે
આપણો સંબંધ શું છૂટી ગયેલો કેચ છે ?


---------------–નિર્મિશ ઠાકર

દશા સારી નથી હોતી

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.

---------------બરકત વિરાણી ‘બેફામ’

શબ્દો નામે પંખી

[1]
પલળવાનાં
સ્વપ્નમાં, કોરી રહી
ગઈ જિંદગી.

[2]
ખેંચી પણછ
ઈચ્છાનાં ફળને મેં
વીંધી જ નાખ્યું.

[3]
લૂંછી લો આંસુ
હવા જો લાગશે તો
સૂકાઈ જશે.

[4]
મમ એકાંત
કોરી ભીંત, આવો ને
થૈ ફ્રેમ તમે !

[5]
ખોબો ભરીને
પીવા મળ્યું, દરિયો
મળ્યો, ડૂબવા.


[6]
ફફડાટને
ઉરમાં સમાવું, ત્યાં
તોફાન આવે.

[7]
સંબંધોનાં કૈં
અરણ્યો જોયાં, ક્યાંય
ન દેખી છાયા.

[8]
પીગળી જવું
સમયના અંધારે
સવાર થાશે.

[9]
અમે એકાંત –
- સાગરે, ટાપુ થઈ
જીવીએ છીએ.

[10]
પ્રસ્તાવના શું
લખે આંસુની, ઉર
કોરુંકટ્ટ ત્યાં !

[11]
ભીનાં ભીનાં થૈ
સંબંધની છાલકે
ભીંજાયા અમે.

[12]
સાચવી લૈ મેં
સંબંધની ભીનાશ
બાગ ખીલવ્યો.

[13]
પામવા મથું
સ્મરણના અરીસે
તસ્વીર તારી

[14]
ચગાવવાં છે
સ્મરણોનાં પતંગ
સમીર નથી

[15]
વેદના નહીં
વરસાદ થૈ આવો
ઝૂરીએ અમે.

[16]
રૂપ ચૈત્રનું
લઈ પ્રખર, ગમ
મને સતાવે.

[17]
મને ઝરણું
બનાવી, તમે ભૂલ્યાં
વહેવું શાને ?

[18]
ટોળે વળેલાં
મારગ પૂછે જાવું
ક્યાં તમારે હો !

[19]
શબ્દ પરાયાં
પંખી બન્યા, હું મૌન
પીંજરે કેદ

[20]
શીશ નમાવી
કલમ ડાળ ઝૂકી,
ને મ્હોર્યા શબ્દો.

---------------–માધુરી મ. દેશપાંડે

જ્યારથી

જ્યારથી આ સૂર્ય સાથે ચંદ્રનું સગપણ થયું,
ત્યારથી આ સુદ અને વદનું શરૂ પ્રકરણ થયું.

ઝાંઝરી પહેરીને નીકળી રાત્રિ જ્યાં આકાશમાં,
ત્યારથી આ પૃથ્વી પર લ્યો આટલું રણઝણ થયું.

પાસમાં નીકળ્યું ઊગી જ્યાં વૃક્ષ બાવળ નામનું,
ત્યારથી વડપીંપળાના વૃક્ષનું વડપણ થયું.

ને વળી ફુલમાં સુગંધીનું થયું પ્રાગટ્ય જ્યાં,
ત્યારથી ભમરા ને માખીનું શરૂ બણબણ થયું.

વસ્ત્ર મેં એની વળગણી પર સુકાવા નાંખ્યું જ્યાં,
ત્યારથી ત્યાં એકબીજાનું શરૂ વળગણ થયું.

ને અમારા બેઉની આંખો મળી ગઈ પ્રેમથી,
ત્યારથી તો શહેર આખામાં શરૂ ગણગણ થયું.

બોલ એનો જે મીઠો ધરતી ઉપર સરકી પડ્યો,
શેરડીમાં, મધપૂડામાં તે બધું ગળપણ થયું.

પુત્રવધુએ પગ મૂક્યા જ્યાં સૌ પ્રથમ આ ડેલીમાં,
ત્યારથી આ બે જુવાનોનું શરૂ ઘડપણ થયું.

--------------હસમુખ મઢીવાળા

પ્રતિક મહેતા

માણસોના મનને માપો, સાવ સરખુ છે બધુ,
કે પછી દરિયો ઉલેચો, સાવ સરખુ છે બધુ,

સાત કોઠા પ્રણયના વીંધીને નીકળો આરપાર,
વાંસવનની આગ રોકો, સાવ સરખુ છે બધુ,

પ્રેમના અક્ષર અઢી સમજી શકો જો રીતથી,
વેદ-ઋચા,શાસ્ત્ર વાંચો, સાવ સરખુ છે બધુ,

મ્હેલ ઈચ્છાનો ચણી એને ઉછેરો જતનથી,
કે પવનને બંધ બાંધો, સાવ સરખુ છે બધુ,

કોક પથ્થર દિલ મહીં શ્રધ્ધાનું વાવેતર કરો,
કે પછી મંદિર ચણાવો, સાવ સરખુ છે બધુ

------------પ્રતિક મહેતા

પ્રતિક મહેતા

સાવ સૂના આંગણે વિચારણાની આવ-જા,
તું અને તારા વિશેની ધારણાની આવ-જા,

સામસામી બારસાખે આપણે ઊભા અને,
આપણી વચ્ચે સદાયે બારણાની આવ-જા,

ક્યાં હવે તો ધર્મનાં સિધ્ધાંત જેવું કંઈ રહ્યું,
મંદિરે જોયા કરો પ્રતારણાની આવ-જા,

પ્રેમ જ્યારે દેહનો આકાર લઈને આવશે,
લાગણીના મસ્તકે ઓવારણાની આવ-જા

ક્યાં કદી ભૂલી શક્યો તારુ સ્મરણ,તારી સ્મૃતિ,
રિક્ત મનમાં રેશમી સંભારણાની આવ-જા

ચાહવાને બેઉ બાજુની મથામણ જિંદગી,
આયખાભર ચાલતી આ પારણાની આવ-જા

-----------પ્રતિક મહેતા

પ્રતિક મહેતા

શૂન્ય આંખોમાં હતી એક ધારણા,
ખૂલશે ક્યારેક એના બારણા.

શિખરે બેસી સતત ફફડ્યા કરે,
લ્યો થઈ ગઈ એકલી પ્રતારણા,

આંખને ઉપવાસ છે લાંબા સમયથી,
આવ તું, તો થાય એના પારણા !

યાદની કીડીઓ સતત ચટકા ભરે,
કેટલા મીઠા હશે સંભારણા !

શબ્દજી શણગાર પ્હેરે નિતનવા,
ને ગઝલ લીધા કરે ઓવારણા,

------------પ્રતિક મહેતા

ફરી વતનમાં

જૂના રે વડલા ને જૂનાં ગોંદરા,
જૂની સરોવરની પાળ;
જૂનાં રે મંદિરે જૂની ઝાલરો
બાજે સાંજસવાર;
એથીયે જૂની મારી પ્રીતડી.

ઘેરાં રે નમેલાં ઘરનાં ખોરડાં,
ઘેરાં મોભ ઢળન્ત;
ઘેરી રે ડુંગરાળી મારી ભોમકા,
ઘેરા દૂરના દિગન્ત;
એથીયે ઘેરી મારી વેદના.

ઘેલી રે ઘૂમે ગોરી ગાવડી,
ઘેલાં પંખી પવન;
ઘેલી રે ગોવાળણ ગોપની,
સુણી બંસી સુમંદ,
એથીયે ઘેલી મારી ઝંખના.

મનની માનેલી ખેલે મસ્તીઓ
આંગણ બાળક-વૃન્દ;
ફૂલડાં ખીલે ને ખીલે તોરમાં
માથે મસ્ત પતંગ,
એથીયે મસ્તાની મારી કલ્પના.

સૂના રે ઊભા આજે ઓરડા,
સૂના મોભ ઢળન્ત;
સૂની રે સન્ધ્યાને ઓળે ઓસરી,
સૂની ખાટ ઝૂલન્ત,
એથીયે સૂની રે ઝૂરે જિંદગી.

------------–પ્રબોધ ભટ્ટ

કેવો ફસાવ્યો છે મને ?

ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને !

સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે તમે પણ એ રીતે ભૂલી શકો;
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુ:ખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌ મને લૂંટી ગયા,
કાંઈ નહોતું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લૈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
મેં ગુમાવ્યા એમ એણે પણ ગુમાવ્યો છે મને.

સાકી જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહીં,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત;
જ્યારે જ્યારે આપ આવ્યા છો ખિલાવ્યો છે મને.

એ બધાં ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંયે જિન્દગી આખી રડાવ્યો છે મને.

---------------બરકત વિરાણી ‘બેફામ’

ઓ ઈશ્વર ભજીએ તને

ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ;
ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ;
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ;
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ.

પરોઢિયે નિત ઊઠીને લેવું ઈશ્વર નામ;
દાતણ કરી નાહ્યા પછી કરવા પાઠ તમામ;
કહ્યું કરો મા-બાપનું દો મોટાંને માન;
ગુરુને બાપ સમા ગણશો મલશે સારું જ્ઞાન.

આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ;
ઘાસચાસની પાસ પણ, વિશ્વપતિનો વાસ;
ભોંયમાં પેસી ભોંયરે કરીએ છાની વાત;
ઘડીએ મનમાં ઘાટ તે જાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ;
ક્યાંયે જગતકર્તા વિના, ખાલી મળે ન ઠામ.

નિંદ્રામહીં નહિ હતું તન ભાન જ્યારે,
જેણે જુઓ પૂરણ રક્ષણ કીધું ત્યારે,
તેને પ્રભાત સમયે પ્રથમે સ્મરું રે,
કાર્યો બધાં દિવસનાં પછીથી કરું રે.

---------– દલપતરામ

બેખબર

આંખથી એ કહી જશે તો શું થશે ?
બેખબર તું રહી જશે તો શું થશે ?

ધારીને રાખી છે મનમાં વાત તેં
કાનમાં એ કહી જશે તો શું થશે ?

દિલની વાતો મેં તને કીધી નથી
આમ અમથી થઈ જશે તો શું થશે ?

લોક અમથા જે કરે છે વાત એ
એ હકીકત થઈ જશે તો શું થશે ?

માગીને થાકી ગયો છો તું ‘બકુલ’
વણમાગે એ દઈ જશે તો શું થશે ?

--------બકુલ સુગંધિયા

પાંપણોથી પ્રણામ

કલાનો વિરોધ પણ કલામાં આમ થાય છે;
ત્વચા નીચે કુહાડીઓથી ચિત્રકામ થાય છે !

તમારી દોસ્તીનો અર્થ શું હશે – ખબર નથી,
તમારો અર્થ દોસ્ત, માત્ર હાડચામ થાય છે.

પૂછ્યું મેં – વૃક્ષ મોટું બીજમાંથી થાય કઈ રીતે ?
મને ચૂમી ભરીને એ કહે કે, આમ થાય છે !

અનુભવે છે અન્યના હિસ્સાની અગ્નિઝાળ પણ,
હૃદય એ અંતમાં બળીને તીર્થધામ થાય છે.

હૃદયની ગુહ્ય પીડ અંતમાં વહે ગઝલ રૂપે,
શું અશ્રુ આંખમાં કદી ઠરીને ઠામ થાય છે ?

હૃદયનો સાથ હોય તો રિવાજ અન્ય છોડ તું,
‘રમેશ’ પાંપણોથી પણ અહીં પ્રણામ થાય છે.

-----------------–રમેશ પારેખ

Saturday, October 18, 2008

લો, ઝુકાવ્યું હામ સાથે

લો, ઝુકાવ્યું હામ સાથે
એક તમારા નામ સાથે.

જિંદગી લાખો વરસની
મોતના વિશ્રામ સાથે.

શું કરું તારી રહેમને
કામ મુજને કામ સાથે.

ચેનથી જે પાપ કરશે
વર-તાશે આરામ સાથે.

ઝૂલતો હું બે ધ્રુવોમાં
રામ સાથે જામ સાથે.

‘શૂન્ય’માં છે ‘શયદા’માં છે
છે મજા ‘બેફામ’ સાથે.

છે ગઝલ મારી રગોમાં
જીવું એ ઈનામ સાથે.

-------------અભિલાષ શાહ

બારેમાસ

તમારા સાવ અંગત છે ને મારા ખાસ જેવા છે,
પણ એ સૌ દૂરથી સારા, નિકટથી ત્રાસ જેવા છે !

કોઈ આવીને છલકાવે, છલકવું હોય એ સૌને,
ઘણા લોકો અહીં ખાલી પડેલા ગ્લાસ જેવા છે !

હું જાણું છું, સંબંધો આપણા તોડે નહીં તૂટે,
સળગવા બેસે તો એ સાવ સૂકા ઘાસ જેવા છે !

નથી ખુદ મારાં અશ્રુ મારા પોતાના રુદનમાંથી,
નદીમાં પૂર આવ્યાં છે તે ઉપરવાસ જેવાં છે !

હવે ફૂલોની ખુશબૂને ટટોલો તો ખબર પડશે,
વસંતો છે, પરંતુ વાયરા વનવાસ જેવા છે !

ઘણા પાસે નથી હોતા છતાં લાગે છે કે પાસે છે,
ઘણા તો રૂબરૂ હોવા છતાં આભાસ જેવા છે !

બધાને તો વરસમાં એક બે હોળી દિવાળી છે,
ખલીલ, એવા પ્રસંગો ઐં તો બારે માસ જેવા છે !

-----------– ખલીલ ધનતેજવી

દીકરી શીખી ગઈ, હું શીખું છું

મને થયું લાવ
દીકરીને શીખવું
કુટુંબ એટલે શું

અમારી વચ્ચે આવા સવાલ – જવાબ થયા:
‘તારું નામ શું ?’
‘ઋચા ઠક્કર’
‘બકી કોણ કરે ?’
‘મમ્મી ઠક્કર’
‘ઘોડો-ઘોડો કોણ કરે ?’
‘પપ્પા ઠક્કર’
સાઈકલ પર કપડાંની ગઠરી લઈને કોઈ આવતું હતું
ઋચાએ સાદ કર્યો,
‘ધોબી…. ઠક્કર !’
ચોખાના દાણાથી યે હાઉસફુલ થઈ જાય
એવું પંખી હવામાં હીંચકે ચડેલું
ઋચાએ કિલકાર કર્યો,
‘ચકી ઠક્કર….’
દીકરી શીખી ગઈ
હું શીખું છું.

-------– ઉદયન ઠક્કર

ફાસ્ટફૂડ

લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !
પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?
વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

અપ ટુ ડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા !
કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા ?
કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?
માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?

લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

--------------કૃષ્ણ દવે

Saturday, October 11, 2008

निगाह-ए-साक़ी-ए-नामहरबाँ

निगाह-ए-साक़ी-ए-नामहरबाँ ये क्या जाने
कि टूट जाते हैं ख़ुद दिल के साथ पैमाने

मिली जब उनसे नज़र बस रहा था एक जहाँ
हटी निगाह तो चारों तरफ़ थे वीराने

हयात लग़्ज़िशे-पैहम का नाम है साक़ी
लबों से जाम लगा भी सकूँ ख़ुदा जाने

वो तक रहे थे हमीं हँस के पी गए आँसू
वो सुन रहे थे हमीं कह सके न अफ़साने

ये आग और नहीं दिल की आग है नादाँ
चिराग़ हो के न हो जल बुझेंगे परवाने

फ़रेब-ए-साक़ी-ए-महफ़िल न पूछिये "मजरूह"
शराब एक है बदले हुए हैं पैमाने

-------------मजरूह सुल्तानपुरी

अक़्स-ए-खुशबू हूँ

अक़्स-ए-खुशबू हूँ बिखरने से ना रोके कोई
और बिखर जाऊँ तो, मुझ को ना समेटे कोई

काँप उठती हूँ मैं सोच कर तनहाई में
मेरे चेहरे पर तेरा नाम ना पढ़ ले कोई

जिस तरह ख़्वाब हो गए मेरे रेज़ा रेज़ा
इस तरह से, कभी टूट कर, बिखरे कोई

अब तो इस राह से वो शख़्स गुजरता भी नहीं
अब किस उम्मीद पर दरवाजे से झांके कोई

कोई आहट, कोई आवाज, कोई छाप नहीं
दिल की गलियाँ बड़ी सुनसान है आए कोई

------------परवीन शाकिर

Friday, October 10, 2008

Swami Vivekanand

"Each work has to pass through three stages--ridicule, opposition, and then acceptance.Every one who thinks ahead of their time is sure to be misunderstood."

Thursday, October 2, 2008

આરતી

જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ (2)
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (2) પડવે પ્રગટ્યા મા.
ૐ જયો જયો મા જગદંબે.

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ… (2)
બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાયે હર મા,
ૐ જયો જયો મા જગદંબે.

તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવન…(2)
ત્રયા થકી તરવેણી (2) તું તરવેણી મા….
ૐ જયો જયો મા જગદંબે.

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં મા…(2)
ચાર ભૂજા ચૌ દિશા (2) પ્રગટ્યા દક્ષિણમાં…..
ૐ જયો જયો મા જગદંબે.

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમ…(2)
પંચસહસ્ત્ર ત્યાં સોહિયે (2) પંચે તત્વો મા…..
ૐ જયો જયો મા જગદંબે.


ષષ્ઠિ તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર… (2)
નરનારીના રૂપે (2) વ્યાપ્યા સઘળે મા….
ૐ જયો જયો મા જગદંબે.


સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા… (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા….
ૐ જયો જયો મા જગદંબે.

અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, મા આઈ…..(2)
સુરવર મુનિવર જન્મ્યા (2) દેવો દૈત્યો મા…..
ૐ જયો જયો મા જગદંબે.

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે….(2)
નવરાત્રિના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા
ૐ જયો જયો મા જગદંબે.

દશમી દશ અવતાર જય વિજયાદશમી, મા જય… (2)
રામે રામ રમાડ્યા (2) રાવણ રોળ્યો મા….
ૐ જયો જયો મા જગદંબે.

એકાદશી અગિયારશ, કાત્યાયની કામા, મા કાત્યાયની… (2)
કામદુર્ગા કાલિકા (2) શ્યામા ને રામા….
ૐ જયો જયો મા જગદંબે.

બારશે બાળારૂપ બહુચરી અંબા, મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે તારા છે તુજમા
ૐ જયો જયો મા જગદંબે.

તેરશે તુળજા રૂપ તું તારુણી માતા, મા તું તારુણી (2)
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) ગુણ તારા ગાતા
ૐ જયો જયો મા જગદંબે.

ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા (2)
ભાવભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની મા
ૐ જયો જયો મા જગદંબે.

પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા (2)
વસિષ્ઠદેવે વખાણ્યાં, માર્કંડદેવે વખાણ્યા (2) ગાઈ શુભ કવિતા
ૐ જયો જયો મા જગદંબે.

સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ મા,
સંવત સોળે પ્રગટ્યા (2) રેવાને તીરે, મા ગંગાને તીરે
ૐ જયો જયો મા જગદંબે.

ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી, મા ચંપાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે…(2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી…. ૐ જયો જયો મા જગદંબે.

શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા જે કોઈ…(2)
ભણે શિવાનંદસ્વામી સુખસંપત્તિ થાશે…..
હર કૈલાશે જાશે…. મા અંબા દુ:ખ હરશે.
ૐ જયો જયો મા જગદંબે.

''सत्यमेव जयते''

सत्यमेव जयते नानृतम् सत्येन पन्था विततो देवयानः ।
येनाक्रमत् मनुष्यो ह्यात्मकामो यत्र तत् सत्यस्य परं निधानं ॥

जय सत्य का होता है, असत्य का नहीं । दैवी मार्ग सत्य से फैला हुआ है । जिस मार्ग पे जाने से मनुष्य आत्मकाम बनता है, वही सत्य का परम् धाम है ।

''सत्यमेव जयते''मुण्डक उपनिषद के तीसरे मुण्डक के पहले खण्ड के छठे मंत्र का एक भाग है।

तराना-ए-हिन्द

सारे जहाँ से अच्छा हिन्दुस्ताँ हमारा
हम बुलबुलें हैं उसकी ये गुलसिताँ हमारा
ग़ुरबत में हों अगर हम रहता है दिल वतन में
समझो वहीं हमें भी दिल हो जहाँ हमारा
पर्वत वो सब से ऊँचा हमसाया आसमाँ का
वो सन्तरी हमारा वो पासबाँ हमारा
गोदी में खेलती हैं जिस की हज़ारों नदियाँ
गुलशन है जिस के दम से रश्क-ए-जिनाँ हमारा
ऐ आब-ए-रूद-ए-गंगा वो दिन है याद तुझ को
उतरा तेरे किनारे जब कारवाँ हमारा
मज़हब नहीं सिखाता आपस में बैर रखना
हिन्दी हैं हम वतन है हिन्दुस्ताँ हमारा
यूनान-ओ-मिस्र-ओ-रोमा सब मिट गये जहाँ से
अब तक मगर है बाक़ी नाम-ओ-निशाँ हमारा
कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी
सदियों रहा है दुश्मन दौर-ए-ज़माँ हमारा
'इक़बाल' कोई महरम अपना नहीं जहाँ में
मालूम क्या किसी को दर्द-ए-नेहाँ हमारा

-----इक़बाल

रश्क=प्रतिस्पर्धा; जिनाँ=स्वर्ग; महरम=रहस्य वेत्ता; नेहाँ=गुप्त