Search the Collection

Sunday, November 14, 2010

સ્મિતનું સરવર

તમારી યાદોનું પોટલું ઉચકીને ચાલ્યા અમે
કદી હળવાફૂલ તો કદી ભારેખમ લાગ્યા તમે

પોટલીમાં બાંધી કેટલીયે સાંજ
પગલાની ભાતને ટહુકાની વાત,
હથેળીમાં ઉગેલું સ્પર્શનું વન
રોમરોમ ઉગેલી મહેકતી રાત,

થોડા શબ્દો થોડું મૌન ઉચકીને ચાલ્યા અમે
કદી ગમતીલું ગીત કદી કસુંબલ કેફ લાગ્યા તમે.

લીલીછમ લાગણી લાગે ભારે
મોરપિંછી રાતે ડંખ વાગે,
સ્મિતનું સરવર બાંધ્યું ગાંઠે
એકલતામાં મેળાનો અવસર લાગે,

થોડા રીસામણાં થોડા મનામણાં ઉચકીને ચાલ્યા અમે
કદી ચાતકની પ્યાસ કદી ઝરમર વરસાદ લાગ્યા તમે.

-----------------------વર્ષા તન્ના