Search the Collection

Sunday, May 26, 2013

વિરહિણી

ચૈતર ચંપો મ્હોરિયો, ને મ્હોરી આંબાડાળ,

મઘમઘ મ્હોર્યા મોગરા, મેં ગૂંથી ફૂલનમાળ.

જૂઈ ઝળૂંબી માંડવે, ને બાગે બાગે ફાલ,

તું ક્યાં છો વેરી વાલમા? મને મૂકી અંતરિયાળ!

આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત,

ગામતરાં તને શે ગમે? તું પાછો વળ ગુજરાત.

કોયલ કૂજે કુંજમાં, ને રેલે પંચમ સૂર,

વાગે વનવન વાંસળી, મારું પલપલ વીંધે ઉર.

અવળું ઓઢ્યું ઓઢણું ને મારા છુટ્ટા ઊડે કેશ,

શું કરું નિર્દય કંથડા ! મને વાગે મારગ ઠેસ.

જોબનને આ ધૂપિયે, પ્રીત જલે લોબાન,

રત આવી રળિયામણી, મારાં કોણ પ્રીછે અરમાન?

નારીઉર આળું ઘણું, બરડ કાચની જાત,

તુ જન્મ્યો નરને ખોળિયે, તને કેમ સમજાવું વાત?

સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ,

હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ!



---------------------------બાલમુકુંદ દવે.

Sunday, May 19, 2013

બ્હેકી ઊઠ્યો


હું બળ્યો છું, તે છતાં બ્હેકી ઊઠ્યો,

ધૂપ અગરુ નો થઈ મ્હેકી ઊઠ્યો !

શ્યામ અંજન છું છતાં એ આંખમાં,

સ્વ્પ્ન લીલુડું થઈ લ્હેકી ઊઠ્યો !

વીજ ચમકી, વાદળી ઝરમર ઝરી,

મોરલાના પિચ્છ શું ગ્હેકી ઊઠ્યો !

ફૂટતાં અત્તરની શીશી ઢોલિયો,

બાથ માં મેડી લઈ મ્હેકી ઊઠ્યો !


--------------- જિતેન્દ્ર કા. વ્યાસ.