Search the Collection

Sunday, October 21, 2012

પિયર ગયેલી ભરવાડણની ગઝલ

પનઘટે છલકાતી ગાગર સાંભરે,
દી ઊગે ને રોજ સહીયર સાંભરે.

છેડલો ખેંચી શિરામણ માગતો,
વાસીદું વાળું ને દિયર સાંભરે.

ત્રાડ સાવજની પડે ભણકારમાં,
રાતના થરથરતું પાધર સાંભરે.

ઢોલિયે ઢાળું હું મારો દેહ ને,
બાથમાં લઈ લેતી નીંદર સાંભરે.

કાંબીયું ખાવડે ને હું ચોકીં ઊઠું,
ઝાંઝરો રણકે ને જંતર સાંભરે.

તાણ ભાભુજીએ કીધી'તી નકર,
કોણ બોલ્યું તું કે મહિયર સાંભરે.

મા! મને ગમતું નથી આ ગામમાં,
હાલ્ય, બચકું બાંધ, આયર સાંભરે.

------------------------------નયન દેસાઈ